ચાહું છું જગ સકલમાં એક જ તને – ઉમાશંકર જોશી
કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;
રખે વાંછે,ભોળી,ઇતર પ્રણયો ના ટકી શકે
ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!
બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,
અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.
સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,
કહે શું ખોટું જો કદીક મળી કોને મહીંથી બે ?
કહું સાચ્ચું વ્હાલી,મુજ હૃદય જાગ્યા અણગણ્યા,
હજી જાગે,જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો,
અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.
–- ઉમાશંકર જોશી.
( ૧૯૩૭ )
ચાહું છું જગ સકલમાં એક જ તને : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .








