https://youtu.be/fqIm15hiQdc?si=HFWuCOKosgOU3nST
ગાણું અધૂરું મેલ્ચ ‘મા : મનીષિ કવિ સારસ્વત શ્રી ઉમાશંકર જોશી ના કાવ્ય ગીત નું ગાન : સ્વર , સ્વરાંકન અને સંગીત નિયોજન તથા ( ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ ના ઉપક્રમે આયોજિત ) કાર્યક્રમ પ્રસ્તુતિ ( Live તા. ૨૧ જૂલાઈ ૨૦૨૧ ) : અમર ભટ્ટ : તબલાં અને ઢોલક : સંજય સેજવલકર અને વાયોલિન 🎻 : રફીક ખાન સાહેબ : : યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૭ / ૨૦૨૧ : : : : અહીં ક્લિક કરીને સાંભળીએ. : : : :
૧ ) સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : : ૨ : ૫૫
મળી માતૃભાષા મને ગુજરાતી
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણસીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ – મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય નેજે
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી!
— ઉમાશંકર જોશી
ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : : ૧૦ : ૧૬
ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
ઑગસ્ટ ૧૯૩૨
( ગંગોત્રી )
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)
ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા :
રખડું નું ગીત : ૧) શોધીશ ‘ મા માવડી ખોવાયો બાળ રે , ખોવાયો ધરતી ના આંગણે : ૨ ) ગીત મારા કોણ ગાશે !? ઉમાશંકર જોશી : કાવ્ય ગીત પઠન : અમર ભટ્ટ : : ૧૮ : ૩૦
અમે ગીત ગગનના ગાશું:ઉમાશંકર જોશી:અમર ભટ્ટ ૨૦ : ૩૨
ચાલ ને ચૈત્ર ની ચાંદની રાત માં ચાલીએ : ઉમાશંકર જોશી : કાવ્ય પઠન : અમર ભટ્ટ : : ૨૯ : ૪૧
ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!
વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો!
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવરપટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જ્વળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!
— ઉમાશંકર જોશી
૨૭-૪-૧૯૫૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૭૯)
*કવિના સ્વમુખે કાવ્યપઠન : અહીં ક્લિક કરીને સાંભળીએ. https://soundcloud.com/ekatra-foundation/x3xigegukdvz/s-oz5ryCaq2x0
આજ મારું મન માને ના માને ના : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : : ૩૧ : ૪૨
આજ મારું મન માને ના
આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.
આજ o
ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.
આજ o
ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
આજ o
– ઉમાશંકર જોશી
આજ મારું મન માને ના : ઉમાશંકર જોશી
એક બાળકી ને સ્મશાન લઈ જતા : સોનેટ કાવ્ય ગીત : ઉમાશંકર જોશી : કાવ્ય ગીત પઠન : અમર ભટ્ટ : : ૩૯ : ૩૮
એક બાળકીને સ્મશાન લઈ જતાં : ઉમાશંકર જોશી
તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
છતાં સૌયે રોયાં! રડી જ વડમા લોકશરમે,
હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.
બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?
– છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.
ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,
તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી.
રહી’તી તાકી એ, શિર પર ચઢીને અવરને
સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી,
અને પોતે ઊંચા કર કરી મથી ક્યાંક ચઢવા;
-અમે આગે ચાલ્યા -રમત પરખી જૈ જ કપરી,
ગળા પૂંઠે નાખી કર, પગ પછાડી, સ્વર ઊંચે
ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી.
અકેલીએ આખા જગત મહીં એણે જ વરતી.
અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું !
[બામણા, ડિસેમ્બર ૧૯૩૩. (ગંગોત્રી)]
વિશ્વ માનવી : કીકી કરું બે નભતારલી ની : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : : ૪૪ : ૧૧
વિશ્વમાનવી
ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી
video
Roman
favroite
share
કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.
સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝૂકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.
વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
[વીસાપુર જેલ, ૩૦-૬-૧૯૩૩ (ગંગોત્રી)]
વિશ્વ માનવી કીકી કરું બે નભતારલી ની ઉમાશંકર જોશી : વિશ્વ પ્રેમ નું સોનેટ કાવ્ય ગીત :
નિશીથ હે ! નર્તક રુદ્રરમ્ય ! સ્વર્ગન્ગ નો સોહત હાર કંઠે : ઉમાશંકર જોશી :
નિશીથ : દીર્ઘ કવિતા : ઉમાશંકર જોશી
૧
નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય!
સ્વર્ગંગનો સોહત હાર કંઠે,
કરાલ ઝંઝા-ડમરું બજે કરે,
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ,
તેજોમેઘોની ઊડે દૂર પામરી.
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય!
ભૂગોલાર્ધે પાયની ઠેક લેતો;
વિશ્વાન્તરના વ્યાપતો ગર્ત ઊંડા.
પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી,
પીઠે તેની પાય માંડી છટાથી
તાલી લેતો દૂરના તારકોથી.
ફેલાવી બે બાહુ. બ્રહ્માંડગોલે
વીંઝાઈ રહેતો, ઘૂમતી પૃથ્વી સાથે.
ઘૂમે, સુઘૂમે ચિરકાલ નર્તને,
પડે પરંતુ પદ તો લયોચિત
વસુંધરાની મૃદુ રંગભોમે;
બજંત જ્યાં મંદ્ર મૃદંગ સિંધુનાં.
૨
પાયે તારે પૃથ્વી ચંપાય મીઠું.
સ્પર્શે તારે તેજરોમાંચ દ્યૌને.
પ્રીતિપ્રોયાં દંપતીઅંતરે કો
વિકારવંટોળ મચે તું -હૂંફે
૩
નિહારિકાનાં સલિલે ખેલનારો,
લેનાર જે તાગ ઊંડા ખગોલના,
રંકાંગણે તું ઊતરે અમારે.
દીઠો તને સ્વૈર ઘુમંત વ્યોમે;
અગસ્ત્યની ઝૂંપડીએ ઝૂકંતો,
કે મન પેલા મૃગલુબ્ધ શ્વાનને
પ્રેરંત વ્યોમાંત સુધી અકેલ.
સપ્તર્ષિનો વા કરીને પતંગ
ચગાવી રહેતા ધ્રુવશું રમંતો.
પુનર્વસુની લઈ હોડલી જરી
નૌકાવિહારે ઉરને રિઝાવતો.
કે દેવયાની મહીં જૈ ઝૂલંતો.
દીઠેલ હેમંત મહીં વળી. મઘા
તણું લઈ દાતરડું નિરંતર
શ્રમે નભક્ષેત્ર તણા સુપક્વ
તારાગણો – ધાન્યકણો – લણંતો.
ને વર્ષામાં લેટતો અભ્ર ઓઢી.
હે રૂપોમાં રાચતા નવ્ય યોગી!
૪
નિશીથ હે! શાંતમના તપસ્વી!
તજી અવિશ્રાંત વિરાટ તાંડવો
કદીક તો આસન વાળી બેસતો
હિમાદ્રિ જેવી દૃઢ તું પલાંઠીએ.
ઉત્ક્રાંતિની ધૂણી ધખે ઝળાંઝળાં,
ઉડુસ્ફુલિંગો ઉડતાં દિગંતમાં;
ત્યાં ચિંતવે સૃષ્ટિરહસ્ય ઊંડાં
અમારાઅંધારતલે નિગૂઢ તું.
અને અમે માનવ મંદ ચેતવી
દીવો તને જ્યાં કરીએ નિહાળવા,
જૃમ્ભાવિકાસ્યું મુખ જોઈ ચંડ
તારું, દૃગોથી રહીએ જ વીંટી
નાની અમારી ઘરદીવડીને.
ને ભૂલવાને મથીએ ખીલેલું
સ્વરૂપ તારું શિવરુદ્ર વ્યોમે.
પ
સંન્યાસી હૈ ઊર્ધ્વમૂર્ધા અઘોર!
અંધાર અર્ચેલ કપોલભાલે,
ડિલે ચોળી કૌમુદીશ્વેતભસ્મ.
કમંડલુ બંકિમ અષ્ટમીનું
કે પૂર્ણિમાના છલકંત ચંદ્રનું.
કરે રસપ્રોક્ષણ ચોદિશે, જે
સ્વયં ચરે નિઃસ્પૃહ આત્મલીન,
દ્વારે દ્વારે ઢૂંકતો ભેખધારી.
પ્રસુપ્ત કોઈ પ્રણયી યુગોનાં
ઉન્નિદ્ર હૈયાકમલો વિશે મીઠો
ફોરાવતો ચેતનનો પરાગ.
સ્વયં સુનિશ્ચંચલ. અન્ય કેરાં
રાચે કરી અંતર મત્ત ચંચલ.
ખેલન્દા હે શાંત તાંડવોના!
૬
મારા દેશે શાશ્વતી શર્વરી કશી!
નિદ્રાઘેરાં લોચનો લોક કેરાં,
મૂર્છાછાયાં ભોળુડાં લોકહૈયાં,
તે સર્વ ત્વન્નીરવનૃત્યતાલે
ન જાગશે, ઘૌનટ, હે વિરાટ?
મારે ચિત્તે મૃત્યુઘેરી તમિસ્ત્રા,
રક્તસ્ત્રોતે દાસ્યદુર્ભેદ્ય તંદ્રા.
પદપ્રપાતે તવ, હે મહાનટ,
ન તૂટશે શું ઉરના વિષાદ એ?
તાલે તાલે નૃત્યના રક્તવ્હેણે
સંગીત આંહીં શું નહીં સ્ફુરે નવાં?
શ્રાન્તોને તું ચેતના દે, પ્રફુલ્લ
શોભાવતો તું પ્રકૃતિપ્રિયાને,
ને માનવોની મનોમૃત્તિકામાં
સ્વપ્નો કેરાં વાવતો બી અનેરાં.
તું સૃષ્ટિની નિત્યનવીન આશા.
ન આટલું તુંથી થશે? કહે, કહે,
નિશીથ,વૈતાલિક હૈ ઉપાના!
[મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૮ (નિશીથ)]
નિશીથ: દીર્ઘ કવિતા : ઉમાશંકર જોશી :
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો : : શું શું સાથે લઈ જઈશ હું : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : : ૫૨ : ૨૮
મંગલ શબ્દ:ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો:ઉમાશંકર જોશી
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
ગજાવતો ચેતનમંત્ર આવતો!
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી
ધપે ધરા નિત્યપ્રવાસપંથે;
ઝૂમી રહી પાછળ અંધકારની
તૂટી પડે ભેખડ અર્ધ અંગે.
વિરાટ ખોલી નિજ તેજઆંખ
કલ્યાણનો મંગલ પંથ દાખવે;
એ તેજ પીને નિજ સૃષ્ટિ ખીલતી
જોતી ઘડી, એ વધતી ઉમંગે.
અંગે લગાવ્યા હિમલેપ શીળા,
જ્વાલામુખી કિન્તુ ઉરે જ્વલંત!
મૈયા તણે અંતર શું હશે પીડા?
કે સૃષ્ટિચિંતા ઉરમાં અનંત?
વિશ્રામ કાજે વિરમે નહીં જરા
અકથ્ય દુ:ખે અકળાય હૈડે!
ઉચ્છ્વાસથી વાદળગોટ ઊડે,
ને દૂર ફેલે જલનીલ અંચળા!
ભમે ભમે દુઃખતપી વસુંધરા!
ડગો ભરે તેજપથે અધીરાં!
એ તોય પૂરા ન થયા પ્રકાશ!
અંધારમાં આથડી ભૂતસૃષ્ટિ!
આ રક્તરંગી પશુપંખીપ્રાણી
પુકારતાં સૌ નખદંતનાશ.
ને લોહી પીને ઊછરેલ ઘેલી
આ લાડીલી માનવતા ધરાની
ઇતિહાસની ભુલભુલામણીઓ
રચે, અને કૈં જગવે લડાઈઓ.
ભોળી સ્વહસ્તે નિજ અંગ ચીરે
ને ભીંજતી આત્મ તણાં રુધિરે.
જળ્યાં કરે ચોદિશ કોટિ ક્લેશ!
શમે ન એ આગ અબૂઝ લેશ!
કો સિંચતા જીવનવારિ સંત,
તોયે હે પાવક એ ધગંત!
પેગામ દૈવી પયગંબરો વદ્યા,
શમી ન એ ભીષણ વિશ્વવેદના!
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
યુગો તણી કૈંક પડી કતાર
આવે ધ્વનિ એહની આરપાર:
‘તું પાપ સાથે નવ પાપી મારતો!’
એ મંત્ર ઝીલ્યો જગને કિનારે
ઊભેલ યોગીપુરુષે અનેકે,
આરણ્યકોએ, ઋષિમંડલોએ;
સુણેલ બુદ્ધે, ઈશુએ, મહાવીરે.
ન તોય નિદ્રાજડ લોક જાગ્યાં
ડૂબી ગયો મંત્ર અનંતતામાં!
એ આજ પાછો ધ્વનિ સ્પષ્ટ ગાજતો
આ યુદ્ધથાક્યા જગને કિનારે.
ગાંધી તણે કાન પડયો, ઉરે સર્યો,
ને ત્યાં થકી વિશ્વ વિશાળ વિસ્તર્યો.
યુગોયુગોની તપસાધના ફળી!
જરી મહા અંતરવેદના શમી!!
માસે માસે, અભિનવ હારો,
ઊગે બીજકલા;
યુગે યુગે પયગંબર જાગે
ભાંગે જગશૃંખલા.
(વિશ્વશાંતિ)
સ્રોત
શું શું સાથે લઈ જઈશ હું? – ઉમાશંકર જોશી
શું શું સાથે લઈ જઈશ હું?
કહું ?
લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર-
વસન્તની મ્હેકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ!’
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ!-
વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?
– ઉમાશંકર જોશી
શું શું સાથે લઈ જઈશ હું ? ઉમાશંકર જોશી : શહેનશાહ સિકંદર વિશ્વ વિજેતા બનવા લાવ લશ્કર લઈને નીકળેલો. આખું વિશ્વ તો જીતી ન શક્યો પણ પાછા ફરતા માતૃભૂમિ પર પહોંચ્યા પહેલા મૃત્યુ દોડતું આવ્યું. ત્યારે સાથે કંઈ જ લઈ જઈ શકાતું નથી એ સત્ય એને સમજાયું. શહેનશાહ અને કવિમાં એક ફરક છે – કવિ ખાલી હાથ સાથે પણ પોતિકી બધી ય સંપત્તિ સાથે લઇ જવા સમર્થ છે. કારણ કે કવિની સંપત્તિ જ અલગ જાતની છે. કવિ શ્રી ઉમાશંકર જોશી અહીં આપણી સમક્ષ પોતે બનાવેલ હાંસલ કરેલી કુલ ૧૮ રિદ્ધિ સિદ્ધિ નું એક લીસ્ટ / સૂચિ પ્રસ્તુત કરે છે .
હે જી ! ભાઈ ‘લ્યો આ જગત ભર પ્યાલા : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : : ૫૫ : ૫૨
હે જી ભાઈ લ્યો , આ જગત ભર પ્યાલા , લ્યો આ જગત ભર પ્યાલા ; હે જી ભાઈ લ્યો આ જગત ભર પ્યાલા , લ્યો આ જગત ભર પ્યાલા ; હે જી ભાઈ લ્યો આ જગત ભર પ્યાલા. . .
જતન શું પીઓ પીઓ મતવાલા,રે કોઈ પીઓ પીઓ મતવાલા. હે જી ભાઈ લ્યો આ જગત ભર પ્યાલા, હે જી ભાઈ લ્યો પીઓ પીઓ મતવાલા.
એ રે પ્યાલા માં અમરત ઉછળે..એ , એ રે પ્યાલા માં અમરત ઉછળે..એ ઊડે રસ ની ધારા ; ભીતર વખ ઘોળાય અહર્નિશ પીએ કોઈ જન ન્યારા.
ભર ભર પીઓ , પીઓ મતવાલા , રે કોઈ પીઓ પીઓ મતવાલા. હે જી ભાઈ લ્યો આ જગત ભર પ્યાલા.
ભીતર છલકે જાહ્નવી , મલકે મૃત્યુ ની જનનો, હસતા રમતા જે કોઈ પીઓ લે માણે બ્રહ્મ ની રમણા ; રે કોઈ પીઓ પીઓ મતવાલા , પ્રભુતા પીઓ પીઓ મતવાલા, પીઓ પીઓ મતવાલા. હે જી ભાઈ લ્યો આ જગત ભર પ્યાલા.
હે જી ભાઈ લ્યો આ જગત ભર પ્યાલા : ભજન : ઉમાશંકર જોશી :
ઝંખના : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે : સૂફી સંત ના ભજન : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : : ૧ : ૦૦ : ૫૦
(ભજન)
સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ,
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
— સૂરજo
મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
—સૂરજo
તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.
—સૂરજo
ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
—સૂરજo
ઝંખના : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે : આ એક પ્રાર્થનાનું ગીત છે. એની રચના જૂના ભજનના ઢાળમાં થયેલી છે. આ જાતનાં ભજન તો એની લહેમાં ગવાય ત્યારે એનું વાતાવરણ જામે. ભજનમંડળીઓનો જેને અનુભવ હશે તે એ સહેજે સમજી શકશે. ભોગતી રાતે, આકાશના તારા ટમટમતા ચંદરવા નીચે, મંજીરા અને એકતારાની સાથે ભજન-લલકાર ચાલતા હોય એ વાતાવરણ જ ભક્તિનો કેફ ચઢાવનારું હોય છે. એવા વાતાવરણમાં તમે સૌ બેઠાં છો એમ જરીક ધ્યાનસ્થ થઈને કલ્પી લો. મંજીરા અને તંબૂરો વાગતાં નથી. અને ભજનનો લલકાર પણ કોઈ અઠંગ ભજનિકનો નથી. મને આવડે એવું હું રજૂ કરું છું. આંખો મીંચી લો અને સાંભળો — અરે જુઓ: આખું વિશ્વ સૂરજ, ચંદ્ર, નવલખ તારા, — બધાં જ પ્રભુને ઢૂંઢી રહ્યા છે.
કુદરતમાં સૌ કોઈ ભગવાનની શોધમાં જાણે કે નીકળી પડ્યા ન હોય એવું ચિત્ર દેખાય છે. તો શું એકલો માણસ જ પાછળ રહી જશે? ના, એને પણ પ્રકૃતિના પદાર્થો પ્રેરણારૂપ બની રહે છે અને એનું હૃદય પણ ભક્તિવિહ્વલ બની જાય છે.
આ સૂરજ પૂર્વમાં ઊગે છે ને ક્ષણ પણ અટક્યા વગર પશ્ચિમ તરફ વધે છે. શાની શોધમાં એ આટલો બેચેન છે? રાતે ચંદ્રની આંખ મટકું પણ માર્યા વગર શાની શોધ કરી રહ્યો હોય છે? પેલા નવલખ બલકે ગણ્યા ગણાય નહિ એટલા તારાઓનાં વૃંદ કોને શોધી રહ્યાં છે, કોને પામવા ટળવળી રહ્યાં છે? પરમેશ્વર સિવાય બીજા કોને પામવા એ સૌની આવી લગાતાર શોધ ચાલી રહી હોઈ શકે?
અને પૃથ્વીની પગથાર ઉપર કોઈ ભમતા પ્રભુમત્ત અવધૂત પણ એ પરમેશ્વરને ઢૂંઢતા જ પરિક્રમણ કરી રહ્યા છે. એની મહત્ત્વાકાંક્ષા તો જુઓ. જે વિશ્વને ભરી રહ્યો છે તેવા વિશ્વંભરને આ એક નાનકડો માણસ પોતાની આંખમાં ભરવા માગે છે.
આમ, પ્રકૃતિમાં જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં માનવીને પ્રભુ માટેનો તલસાટ જ ઊભરાતો દેખાય છે. ગિરિવરોનાં શિખરો અડોલ અબોલ ઊભાં છે તો તે પણ જાણે કે ઊંચી ડોક કરીને પ્રભુની ઝાંખી કરવા મથી રહ્યાં ન હોય. પંખીઓ, પ્રાણીમાત્ર, એ જ ઝંખનાથી વ્યાકુળ જણાય છે. સરિતાનાં ઊછળતાં નીરમાં કે સરોવરનાં શાન્ત વારિમાં પણ એ જ તલસાટનાં દર્શન થાય છે. ડુંગરો ઉપર રાતે દવ ભડભડ બળી રહ્યા હોય છે તેની શિખાઓ પણ ઊર્ધ્વમુખે એ જ ઝંખના વ્યક્ત કરતી લાગે છે.
આમ, પ્રકૃતિમાં સૌ કોઈ પરમાત્માને ટૂંઢવા નીકળી પડ્યું હોય એવું ચિત્ર આપણી આગળ રજૂ કરવામાં આવે છે, પણ એ જોઈને કોઈને થશે કે માણસ પોતાના મનોભાવનો પડઘો તો કુદરતમાં પાડી રહ્યો નથી ને? પોતે પ્રભુને ઢૂંઢવા ચાહતો હોય તો ભલે તેમ કરે, પણ કુદરતના જે નિર્જીવ પદાર્થો છે તે બધા પણ માનવીની પેઠે ભગવાનને ખરેખર ટૂંઢવા નીકળી પડ્યા છે એવી અતિશયોક્તિ કરવાની શી જરૂર? નિર્જીવ જડ પ્રકૃતિપદાર્થો ઉપર સજીવારોપણ કરવાથી શું?
આનો જવાબ આ રીતે આપી શકાય, બલકે ભગવાનના બંદાઓ આ રીતે જવાબ આપવાના. બધું જ, શું જડ શું ચેતન, ભગવાને સર્જેલું છે. બધાંમાં જ, શું જડમાં શું ચેતનમાં, ભગવાન જ ભરેલા છે. ‘ઠાલો નહિ કો ઠામ.’ ભગવાન પોતે જ આ બધી જડ ચેતન તમામ સૃષ્ટિ રૂપે પ્રગટ થયાં છે અને એ બધા સજીવ નિર્જીવ પદાર્થો તેમને જ પાછા શોધવા નીકળી પડ્યા છે. ભગવાન પોતે આ રીતે લીલા કરી રહ્યા છે, એકના અનેક બનીને સંતાકુકડીની રમત રમી રહ્યા છે.
જે માનવીના હૃદયમાં ભગવાનની આ લીલાનું રહસ્ય પ્રગટ થાય છે એ પછી બાકળો બનીને ભગવાનને એમની આ સંતાકુકડીની રમતમાં પકડી પાડવા મથે છે.
આપણું પ્રાર્થનાગીત જૂનો ભજનની રીતે રચેલું છે પણ સૉનેટમાં જેમ ચૌદ લીટી હોય છે તેમ એમાં ચૌદ લીટી છે અને સૉનેટમાં આઠ લીટીના ઉપક્રમ પછી, ભૂમિકા રચાઈ ગયા પછી, વળાંક આવે છે તેમ આ ભજનમાં પણ વળાંક છે. અલબત્ત આ ભજન જ છે. પ્રાર્થનાગીત છે, સૉનેટ નથી, પણ સૉનેટના બંધારણનો લાભ અહીં લેવાયો લાગે છે એ જ.
પહેલી આઠ પંક્તિમાં સમગ્ર પ્રકૃતિ પ્રભુને ઢૂંઢી રહી હોય તેનું વર્ણન કર્યા પછી હવે નવમી પંક્તિએ વળાંક લઈ માનવીની આરજૂ આરતે તલસાટ વલવલાટ એ ઉપર વક્તવ્ય કેન્દ્રિત થાય છે. ભગવાન એટલા સુક્ષ્મ છે બલકે આપણે એટલો જડ છીએ કે આપણી આંખ આગળ નાનકડું અમથું તરણું હોય તો તેની પાછળ એ છુપાઈ જાય. અને દેખાય નહિ. આમ જુઓ તો એવડા વિરાટ છે કે નક્ષત્રોના મણિપુંજાની અને નિહારિકાઓની માળાઓ પણ એમને ઓછી પડે. આખા બ્રહ્માંડને ભરીને એ વ્યાપ્યા છે. અને આ નાના સરખા માનવીને ઝંખના લાગી છે કે પોતાની જરીક જેવડી કીકીમાં એ સચરાચરમાં વ્યાપી રહેલી વિરાટ મૂર્તિને સમાવવી. કેવી તો ઘેલછા એને લાગી છે! ગમે તેમ કહો, એને ભલે ગાંડાઘેલામાં ગણી કાઢો, એણે તો રઢ પકડી છે: હે પ્રભુ, ગગન ઘેરીને આજે દર્શન વરસ્યા વગર તમારો છૂટકો નથી. વર્ષાનાં વારિબિંદુ માટે બપૈયા ઝૂર્યા કરે એમ મારો પ્રાણબપૈયો ઝૂર્યા કરે છે તે તમે જોઈ શકતા નથી શું? તમને વધારે કહેવાની જરૂર હોય ખરી કે?
શું ભક્ત જ ભગવાનને ટૂંઢે છે? ભગવાન ભક્તને ઢૂંઢવા ઉત્સુક ઓછા છે શું? લીલા માટે — રમત માટે બે થયા છે. રમતમાં પકડનાર અને પકડાનાર બંનેને સરખો જ રસ. તો જ રમત જામે. જાણકારો તો આપણને સંસારીઓને કાનમાં કહેતા રહે છે કે ભક્તને ભગવાનની જેટલી તાલાવેલી નથી તેટલી ભગવાનને ભક્ત માટે છે. અલબત્ત, આપણામાં તાલાવેલી હોવી જોઈએ. બાકીનું એ સંભાળી લેશે. અખો ભક્ત કહે છે:
જ્યમ છીપને સત્ય ખરી ઊપજે, તો ઉપર આવે જળમાંહેથી;
તેહની સૂરતનો તાણ્યો તે પર્જન્ય આવી વરસે ક્યાંહેથી.
છીપમાં રત જાગી, સ્વાતિ નક્ષત્ર વખતે તે સાગરનાં જળપેટાળ વીંધીને ઉપર આવી. તો મેઘ પણ તેની આરતથી આકર્ષાઈને ત્યાં આવી પહોંચ્યો અને જે મેઘબિંદુ છીપમાં પડવું તે એ છીપમાં મોતી થઈને નીવડ્યું.
જેટલી ઉત્કટ માનવીના હૃદયની ઝંખના, તેટલો ઝડપી પ્રભુનો પ્રત્યુત્તર.
દુનિયાના સૌ સાધુપુરષોએ અને સાધ્વી સન્નારીઓએ એ એક મંગલ દૃશ્યની કલ્પના કરી છે કે પ્રભુની સર્જેલી આ સારી સૃષ્ટિ એના સર્જનહારની સ્તુતિમાં એકલીન થાય.
સમાજજીવનમાં અનેક સામૂહિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેમાં મારે મન કોઈ મંગલ પ્રવૃત્તિ હોય તો તે વર્ગ રૂપે ભેગા થઈને શિક્ષક તથા વિદ્યાર્થીગણ વિદ્યાપ્રવૃત્તિ ચલાવે છે એ છે. એથી પણ વધુ મંગલ સામૂહિક પ્રવૃત્તિ હોય તો સૌ ભેગા મળીને આપણા સર્જનહારને સંભારવામાં એકદિલ થઈએ.
— ઉમાશંકર જોશી : ૧૯૬૬
(પ્રતિશબ્દ)
રામ મઢી : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : : ૧ : ૦૫ : ૧૮
રામ મઢી રે મારી રામ મઢી (૨) ગંગા ને કાંઠે રામ મઢી . જમના ને કાંઠે રામ મઢી રે મઢી રે મારી રામ મઢી રે મારી રામ મઢી . 💦💦💦💦💦 💦💦 કોઈ સંતન આવે મંગલ ગાવે (૨) અલખ ધૂન રસરંગ લગાવે . આવે કોઈ અવધૂત ચઢી રે મારી રામ મઢી . રામ મઢી રે મારી રામ મઢી .💦💦💦 રણઝણે મંજીર બજે તંબુરા (૨) ગુંજે જગકુંજે કેસર મધુરા (૨) દૂર દૂર એ પડખે પડી રે મારી રામ મઢી . રામ મઢી રે મારી રામ મઢી . ☁️ ☁️ ☁️ ☁️ રસભર હૈયાની ડોલે નૈયા (૨) પીયુ પીયુ બોલે પ્રાણ બપૈયા . ચેતનની વરસંત ઝડી મારી રામ મઢી . રામ મઢી રે મારી રામ મઢી . ⛵ ⛵ ⛵ ⛵ કાંઈ , ગગન મંડલે નયના ઝંખે . ગગન મંડલે નયના ઝંખે . પરમ તેજ પલકંતા તલખે . પરમ તેજ પલકંતા તલખે . અલખ મંદિરિયે નજરો અડી રે મારી રામ મઢી . તરવેણી તીરે રામ મઢી . તરવેણી તીરે રામ મઢી . ગંગા ને કાંઠે રામ મઢી . જમના ને કાંઠે રામ મઢીરે મારી રામ મઢીરે મારી રામ મઢીરે મારી રામ મઢી . કવિ શ્રી ઉમાશંકર જોશી : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : : : : રામમઢી ભજનના ઢાળમાં પ્રકૃતિ અને પ્રભુ ના તાદાત્મ્ય સાધી આપવાની , સાથે સાથે ‘ભમવાનું’ અને ‘પ્રભુ સ્થાન’ પર સ્થિર થઈ રહેવાનું – બંને ખાસિયતો થી સેવેલી કવિની મનોકામના દર્શાવતી કાવ્ય રચના છે . ‘મઢૂલી’ કે ‘મઢૂડી’ કે નાનો ‘મઢ’ માટી – ઘાસ – ડાળ પાંદડાઓ થી ઘડાયેલ ઝૂંપડી , રામ – સીતા ના , સહોદર લક્ષ્મણ ના સથવારે વનવાસ નું ‘ દૃશ્ય રૂપ ‘ ચિત્ર જીવંત કરી આપે છે . કવિ ની ‘રામમઢી’ ‘ગંગા ને કાંઠે’ છે , ‘જમના ને કાંઠે’ છે , અરે ! ‘તરવેણી તીરે’ – ત્રણ નદીઓ ના તીરે આવેલી છે જ્યાં બ્રહ્મા એ પ્રથમ prakrista યજ્ઞ કર્યો તે પ્રયાગ રાજ – તીર્થ રાજ king of all holy places જ્યાં અમૃત ના ટીપાં અર્ધ દેવમાનવના હાથમાં રાખેલા અમૃતકુંભ માં થી સરકી ને સંગમસ્થાન પર પડ્યા હતા . જ્યાં સ્નાન કરીને કર્મ ના બંધનોથી મુક્તિનો માર્ગ મળે અને જનમફેરાઓ માંથી મુક્તિ મળે .જ્યાં શુભ, મંગલકારી પવિત્ર સ્તવન – ભજન ગીત સ્તુતિઓ રચાય છે અને આવા જ મંગલ ગાવા સંતન – સંત પુરુષ – ભલા માણસો રામમઢી પર આવે , ‘અલખ નિરંજન’ ના ઉચ્ચારણ સાથે અહાલેક જગાવે તે બ્રહ્મધામના નિરંતર રઝળતા પ્રવાસી ‘અવઘૂત’ આવે અને ‘રસરંગ’ લગાવે રસગોઠ લગાવે. એવી રસગેહ છે આ રામમઢી જ્યાં , આધ્યાત્મની જિજ્ઞાસા અને આત્મા – પરમ બ્રહ્મ લગી પહોંચવાના સમાધાન માટેનો રસકો મઢાયેલ છે .જ્યાં ભજન ગાયન અને શ્રવણ , કિર્તન , વિષ્ણુ , શંકર રામ , સીતા , કૃષ્ણ , લક્ષ્મી , પાર્વતી , દૂર્ગા , સૂર્ય સરસ્વતી ઇષ્ટ દેવ વિ્ ની મૂર્તિ પૂજા , અર્ચન , સેવા , વંદના , દાસ્ય , સાંખ્ય , આત્મ નિવેદન , પ્રભુ ની પ્રશંસા કરતા રહી પ્રભુ કૃપા પ્રેમ પ્રાપ્તિ માટેના સગુણ અને નિર્ગુણ ” ભક્તિ માર્ગ ” ને અનુસરવામાં આવે . વેદ પુરાણ , ભાગવત ઉપનિષદો ગીતા સૂચિત માર્ગદર્શન ની સમજદારી મેળવવામાં આવે . આ બધું એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે તો તે રામમઢી જેની કવિના શબ્દોમાંથી ભાવકના હૃદયમાં પહેલેથી જ જડાયા હોય પુનઃ ઝંકૃત થઈ તરત જ સ્વીકૃતિ મળે છે . કાવ્યમાં : આવે ગાવે , મંજીરા તંબુરા મધુરા , નૈયા પ્રાણ બપૈયા , ગુંજે જગકુંજે , ઝંખે તલખે , રામમઢી ની ધૃવ પંક્તિઓ માં કાવ્યના શબ્દ- સૂર – લય પ્રવાહી થઈ વહેતા જાય છે . ‘અવધૂત’ શબ્દ સંસ્કૃતમાં જેનો અર્થ ‘to shake’ પરથી આવેલો છે . અવધૂત એટલે એવા સંત પુરુષ જે ‘હું’ પણું – સ્વત્ત્વ માં રત રહે , ચેતના અને ઐહિક – દુન્યવી જંજાળો જેને સ્પર્શી ના શકે , સભ્ય સમાજની રીતભાત અને શિષ્ટાચાર ના અનાદર ને ઉપેક્ષા કરતી વર્તણુંક ( without consideration for standard social etiquette ) દાખવે . જે પોતે સિદ્ધ કરેલી ઊંડી સમજ અને સુક્ષ્મદર્શી જ્ઞાનયોગ ના દર્શન થી , આધ્યાત્મ ગુરુ jeevanmukta તરીકે જિજ્ઞાસુ જનને આત્મતત્વ , બ્રહ્મ તત્ત્વ અને મોક્ષની પ્રાપ્તિના સાચા માર્ગ બતાવે . જેણે અદ્વૈત- વાદ અને અપ્રત્યક્ષ જ્ઞાન ઉપાર્જિત કર્યા છે , જેની પાસે અલૌકિક અને પારગામી અતીન્દ્રિય શક્તિઓ ( power of clairvoyance ) છે કે ‘કુંડલિની’ અને ‘સહસ્ત્ર ચક્ર’ ની શક્તિઓ જેની જાગ્રત થઈ છે . જેણે સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ ,’અવધૂત ગીતા Gorakshanath’ , વેદ વેદાન્ત , ઉપનિષદો , તંત્ર વિદ્યા વિ. નો ગુરુ ચિંધ્યો અભ્યાસ અને તેને અંતર્ગત ‘હઠયોગ’ હાંસીલ કર્યો છે . જે સંયમી તપસ્વી રૂપે જીવન સમર્પિત કરનાર કે તમામ એષણાઓ , હક્ક , અધિકાર , માલ મિલકત ને વર્જ્ય માની પરિત્યાગ કરનાર , અરે ! નાગા સાધુ બાવા રૂપે કે ભિખારી ના સ્વાંગમાં સુદ્ધાં લોક સમક્ષ રજુ થયેલા છે કે કોઇવાર રાજા જેવાં બની પ્રગટ થયા છે . આધ્યાત્મ ના જુદા જુદા સ્તરે ને સ્થાનને પહોંચી ને ભારતભરમાં , જનલોકમા પરિભ્રમણ કરતા રહીને , સ્થળે સ્થળે ગુરુ તરીકે મઠ મંદિરો ના નિર્માણ સહિત આધ્યાત્મિક જ્ઞાન વહેંચતા રહ્યા છે . ઐતિહાસિક રીતે ગુરુ દત્તાત્રેય , પરમહંસ , બાબા ગોરખનાથ કે ‘નાથ સંપ્રદાય’ના હિન્દુ જ્ઞાનમાર્ગી અનુયાયીઓ તરીકે ઓળખાય છે તે ‘અવધૂત’ . જેનું લોકમાનસમાં , પહોંચેલ સાધુ સંત સંન્યાસી , સમાધિ લીન , જટાધારી , ડમરુ , રુદ્રાક્ષ , પરશુ , ભભૂત , લાલ ચંદન લેપ ધારણ કરનાર યોગી તરીકે પહેલેથી મહત્વનું સ્થાન છે . આમ ત્રણમાથી બે , “ભક્તિ માર્ગ” અને “જ્ઞાન માર્ગ” ના ઉલ્લેખ થતાં અને કવિ પોતે કર્મ યોગી તો હોય જ , જેથી આત્મા અને પરમ બ્રહ્મ ના એકાકાર માટે ની હિન્દુ આધ્યાત્મિકતા ની જિજ્ઞાસા જગાડી આપતું સંવેદન ઝીલનારો ભાવક કાવ્યમય થવા લાગે છે . દ્વિતીય અંતરામા કવિએ હૈયાંને ‘રસભર’ કહ્યું છે તેમાં ‘બ્રહ્માનંદ’ પરમા તત્ત્વ ના તંતે ભરાયો રસરંગ ના sentiment ને લગતી ઈચ્છા છે . આ “રસભર હૈયાની નૈયા ડોલે” છે એમ કહીને કાવ્ય રસની જમાવટ કરી છે . જેમાં સૂર – તાલ પૂરતા ‘પિયુ પિયુ’ નો પ્રાણ ધ્વનિ , ચેતનનો સશક્ત તરવરાટ રસળવાની ગૂંથણી થાય છે . એથી જ તો , ત્યારપછી આવતી પંક્તિ માં જીવરૂપ ” ચેતનની વરસંત ઝડી ” રામમઢી પર રસછેલ કરે છે . પરંતુ , અહીં ‘રસભર હૈયાની નૈયા ડોલે’ છે કેમ !?! આ પ્રાણ ધારણ કેટલું ટકે ? હાલકડોલક જીવનનૈયાનો ઝુકાવ પ્રત્યાયક ખરો કે ? બ્રહ્મ કૌતુક – બ્રહ્મ ને જાણવાનું કુતૂહલ અને બ્રહ્મલીન થવાની તીવ્ર ને ઉત્કટ ઝંખના , ચેતનવંતી વરસંતી ઝડી ના પ્રાબલ્ય તથા વિરાગી નૈયાયી સાધુની – જોગીની ગુંજ્યતાનો રસછોળ , કાવ્ય રચના ની રતિક ગોઠડી માંડી ચૂકી છે . તૃતીય અંતરા માં કવિનું રસ ઐક્ય મંજીરાના સાથમાં મધૂરા તંબુરાના રણઝણાવતા ગુંજાર ના અવ્યક્ત ભાતીગળ આનંદ ને વ્યક્ત કરે છે . ઉપરાંત , ઉમેરો કરે છે : : ” ગુંજે જગકુંજે કેસર મધુરા ” ના ગાનથી . ‘જગ’ ‘જગત’ શબ્દમાં જડ , ચેતન વિ. સ્વરૂપનું સમગ્ર વિશ્વ , ભુવન , લોક , દુનિયા , અરે ! બ્રહ્માંડ પણ સમાવિષ્ટ બને . કવિ ની રામમઢી પણ . આ બધાં પૃથ્વી તત્ત્વો ની કુંજાર – હરિયાળી વચાળે ફુલો ની સુગંધિત ફોરમ થી ને પમરાટ થી વ્યાપ્ત છે જે જગકુંજે , મધુરા કૃત આકારોમાં મોકલ્યું ને મળ્યું સ્પષ્ટ અસ્પષ્ટ , સ્વર્ગીય કહેણ છે કે રામમઢી પર સાંભળ્યો આધ્યાત્મ નો કેસર મધુરો ગુંજાગુંજ સાચો માર્ગ છે . જે દૂરગામી છે . ” દૂર દૂર ” બે વખત આવે છે જે દૂરતઃ કે દૂરતર જ નહિ પણ દૂરતમ : ઘણે દૂર , ખૂબ આઘે પહોંચવા માટે નો માર્ગ છે . જેનું પ્રતીકાત્મક સ્થાન રામમઢી પડખે પડી છે . અહીં વિરોધાભાસમાં , દૂરતા અને સમીપતા કવિ ની ઝંખના ની મદદમાં ઊભી રહી છે . ચોથા ને છેલ્લા અંતરાનો ” કાંઈ ” શબ્દથી આરંભ થયો છે જે , અનિશ્ચિત કે ના સમજાય એવું અમુક ચેતન પદાર્થો / તત્ત્વો સિવાય ના માટે વપરાતું સર્વનામ છે . અહીં જરા અટક્યા પછી કવિ કહે છે : ” ગગન મંડલે નયના ઝંખે પરમતેજ પલકંતા તલખે “. ‘ગગન મંડલે’ સમગ્ર વ્યોમ : આસમાની નભનો મોટો ઘેરાવો માત્ર નહિ પણ સૂરજ ચંદ્ર તારા મંડળ : સમસ્ત બ્રહ્માંડ ની વ્યાપકતા ના સંદર્ભમાં સમજાવ્યું છે . જ્યાં ‘નયનાભિરામત્વ’ ઝંખે છે પરમ બ્રહ્મ ને . પરમાત્મા સાથે એકાકાર થવાની સંભાવના હોય એના પરમ તેજ માં સમાય જવા તલખે છે . અતિ અધીરું થઇ ઝૂરી રહ્યા કવિ મનનો તલસાટ છે , આ . ઉઘાડ મીંચ પલકારા કરંતી નયના . સાથે છે મલકતું સ્મિત . આતમના અલખ ધામ પરબ્રહ્મ સાથેના સાયુજ્ય ના પ્રયાણ ની ઘડી આવી પહોંચી છે . જેની આતુરતાપૂર્વક રાહ જોનાર રસભર હઠાગ્રહી હૈયું , રામમઢીના મંદિરીયે , નયનાભિરામ દૃષ્ટિએ નજરો અડાડી ઝંખી રહ્યું છે . બ્રહ્મ અલક્ષ્ય હોવાનું માનતા પૃથ્વીપગારે ગુરુ આજ્ઞા મુજબ ભમતા અવધૂતની અલખની ઘૂનના રણઝણાટની અને અલખમસ્તીની તથા નયનાભિરામત્વની પ્રેમલક્ષણા ભક્તિની રસપિલાવટ નું ભજનીય કાવ્ય છે : રામમઢી : ભજનાનંદી બનો ભાવક મિત્રો : : : : : : શબ્દાર્થ : રસગોઠ : હર્ષ દેતી ગોષ્ઠિ ; રસગેહ : આનંદ લેવાનું સ્થાન / ઠેકાણું ; રસકો : હર્ષ ; અદ્વૈતવાદ : જીવ અને બ્રહ્મ , જગત અને બ્રહ્મ અભિન્ન છે એવો અભેદવાદ નામે ઓળખાતો સિદ્ધાંત – મોનિઝમ ( વેદાન્ત ) ; અપ્રત્યક્ષ જ્ઞાન : છાનું , અજાણ્યું , પરોક્ષ જ્ઞાન ; રસછેલ / રસછોળ : કાવયગત રસનો ઉભરો ; પ્રત્યાયક : વિશ્ર્વાસ ઉપજાવનાર ; નૈયાયી : સાધુ જે “ઓમ્ નમઃ શિવાય” રટણ કરતા રહે ; ગુંજયતા : સતત થતો ગુંજારવ ; રતિક : રસ ભર્યું જેમાં આનંદ મળે ; રસ ઐક્ય : રુચિ પસંદગી ની એકરૂપતા ; ગુંજાર : મધુર ધ્વનિ ; નયનાભિરામત્વ : આંખ ને હર્ષ દેતું રામ ત્વ ; નયનાભિરામ : આંખ ને સુંદર લાગે એવું ; સાયુજ્ય : ચાર પ્રકારના મોક્ષમાં નો પરમ તત્વ સાથે જોડાઇ જવાના પ્રકારનો મોક્ષ (વેદાન્ત) ; અલક્ષ્ય : ધ્યાન માં ન આવે તેવું , અજ્ઞેય , અદૃશ્ય , અગોચર , નિરાકાર જેની નિશાની ન મળે ; રસપિલાવટ : કાવ્યરસ ની જમાવટ ; ભજનાનંદી : ભજનની મસ્તી માણનાર : : અહીં ક્લિક કરો અને સાંભળો રવિન્દ્ર સાઠે ના સ્વરમાં શ્યામલ સૌમિલ મુન્શી ના સ્વરાંકન સંગીત માં કાવ્ય ગીત “રામમઢી રે મારી રામ મઢી ” નું બે અંતરામાં https://youtu.be/pQ8vxNifwlc “રામમઢી રે મારી રામમઢી” : કવિ શ્રી ઉમાશંકર જોશી : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : રામનવમી : ચૈત્ર સુદ નોમ : ૨૧ એપ્રિલ ૨૦૨૧ :
ગાણું અધૂરું મેલ્ચ’ મા : ઉમાશંકર જોશી : ગરબો : અમર ભટ્ટ : : : ૧ : ૧૧ : ૫૮
ગાણું અધૂરું મેલ મા – ઉમાશંકર જોશી
ગાણું અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ મા.
હૈયે આયેલું પાછું ઠેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
‘લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o
ઓરાં બોલાવી ધકેલ મા,
‘લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o
છાતીથી છેટાં મેલ મા,
‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.
અરધે અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું મેલ મા.
– ઉમાશંકર જોશી
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. . સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૪ : :