
સમય તૃષા

સમય તૃષા
બળતાં પાણી
નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
— ઉમાશંકર જોશી.
૭-૫-૧૯૩૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૦૦)
બળતાં પાણી : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
ભલે શૃંગો ઊંચા
મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો,
ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચે તગતગે,
શુચિ પ્રજ્ઞાશીળું સ્મિત કુમુદપુંજો સમ ઝગે;
વહી ર્હેતો ત્યાંથી ખળળ ચિર શાતા જળ-ઝરો.
ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત;
મુખે એને કેવું વિમલ શુભ એ દૂધ સુહતું!
હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ્ વરસતું.
રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત.
ગમે શૃંગો, કિન્તુ જનરવભરી ખીણ મુજ હો!
તળેટીએ વીથી સહજ નિરમી શાલતરુની,
રમે ત્યાં છાયાઓ; ઉટજ ઉટજે સૌમ્ય ગૃહિણી
રચે સન્ધ્યાદીપ; સ્તિમિત-દૃગ ખેલે શિશુકુલો;
સ્ફુરે ખીલે વીલે હૃદય હૃદયે ભાવમુકુલો;—
ભલે શૃંગો ઊંચાં, અવનિતલ વાસો મુજ રહો!
— ઉમાશંકર જોશી.
૨૮-૧૦-૧૯૫૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૪)
ભલે શૃંગો ઊંચા: ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા
પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ,
વ્યોમે ખીલ્યા જલઉર ઝીલે અભ્રના શુભ્ર રંગ;
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં,
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.
ત્યાં તો જાણે જલવિધુ તણા ચારુ સંયોગમાંથી
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે:
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.
— ઉમાશંકર જોશી.
ઑક્ટોબર ૧૯૨૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૦૭)
નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
.સખી મેં કલ્પી’તી –
સખી મેં કલ્પી’તી પ્રથમ કવિતાના ઉદય શી, અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી. ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ, જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.
સખી મેં ઝંખી’તી જલધરધનુષ્યેથી ઝૂલતી, અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી. પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી, સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.
સખી મેં વાંછી’તી વિરલ રસલીલાની પ્રતિમા, સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ, અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી, જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.
મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના. છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.
— ઉમાશંકર જોશી : ૧ / ૧૨ / ૧૯૩૭.
સખી મેં કલ્પી’તી–: ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

મ્હોર્યા માંડવા
સખી, ગણું ગણું તે કઈ મંજરી, ગણતાં કંઈ કંઈ રહી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં, કાંઈ ખીલ્યાં ભૂમિનાં ભાગ્ય રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, સેંથે ચડતાં આંખડી અંજાતી ને અટવાય રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ઊતરે કેશલટે નજર પાની લગ લપટી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, નેહછલકતાં નેણને ભમ્મરની આડી પાળ રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, પાંપણ ઢોળે વીંજણા, કીકીમાં પ્રજળે નેહ રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, અણબોટ્યા બે હોઠની એ જડે ન કહીં ગુલજોડ રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, આંખે વણબોલ્યાં રહ્યાં એ બોલે ગૌર કપોલ રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ગાલે ખાડા શા પડે, મહીં હૈયાં ઘૂમરી ખાય રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ઊંચેરી ડોલર-ડોકના રત રત શા નિત્ય મરોડ રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ધરા ઘૂમે ઉર ઊંચેનીચે ત્યમ હૈયાં ઊછળી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, શિખરો વીંધે વ્યોમને, છાતી વીંધે બ્રહ્માંડ રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, પર્વતથી નદીએ ઢળ્યાં કમ્મર લે નદીવળાંક રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ગણું ગણું તે કઈ મંજરી ગણતાં કંઈ ના’વે પાર રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, નમણાં ચાલો ત્યાં દીસો રમતેરી મેઘકમાન રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, પગલાં પડતાં પોયણાં પગલે ધરતી ધનભાગ્ય રે સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં, વળી ખીલશો અદકે રૂપ રે સહિયરના મ્હોર્યા માંડવા.
— ઉમાશંકર જોશી
મુંબઈ, ૧-૧૨-૧૯૩૪
મ્હોર્યા માંડવા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : સોળ અંતરા માં સખીની સૈયરે , પ્રિય સખી એ ધાર્યા “સોળે ખીલ્યાં અદકા રૂપ” નું “રૂપ મંજરી” નું નજરાણું ગણી આપી ને “માંડવા મ્હોર્યા” ની સનસા કરી છે. : : ૧૯૩૪ માં લખાયેલ ઉમાશંકર જોશી નું આ ગીત પંડિત યુગના સાહિત્યકારની કવિતા ના પધ્યાકાર થી વેગળી નીકળી આવીને સખી સહિયર નું આધુનિક તરેહ ની માંડણી કરતું એક પ્રકારનું ‘નેહ નમણું‘ આધુનિક ગીત બની રહે છે જે ઉમાશંકર જોશી એ આપેલાં કાવ્ય ગીતો માં ઓછું જાણીતું રહ્યું છે. : : મારે એક આડ વાત પણ નોંધવી જોઈએ. :: :: :: : ગઈ સદીના સાંઠી ના અંતના વર્ષે અમારા ઘરે અમારા નાનીમા ને મુંબઈ થી મળવા આવેલા એમના નાનાં બહેન અને મારી બા ના નાની માસી પાસેથી એક બપોરે ઉમાશંકર નું આ ગીત લગ્ન ગીત ની જેમ ગરબાનાં ઠેકાં સાથે ગવાતું મેં સાંભળ્યું હતું. જેને યાદ કરતાં હું આ ગીત ને ઉમાશંકર જોશી ના ‘ગેય ગીત’ તરીકે અને ‘આધુનિક લગ્નગીત’ ના તુલનાત્મક સ્થાને પ્રતિષ્ઠિત કરવા યોગ્ય સમજું છું. જેને કોઈ સ્વરકાર સંગીત બદ્ધ કરી રિલીઝ કરી શકે છે ; જેની રાહ જોવી રહી. : : “સહિયર ના મ્હોર્યા માંડવા “આ નજરાણું એનાં ત્રણ ચરિતાર્થ માં રસ દર્શન વિશેષે સાર્થક કરવા પ્રયત્ન કરીશું. : : : :
સખી, ગણું ગણું તે કઈ મંજરી, ગણતાં કંઈ કંઈ રહી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા. ૧
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં, કાંઈ ખીલ્યાં ભૂમિનાં ભાગ્ય રે સહિયરના મ્હોર્યા માંડવા. ૨
સખી, સેંથે ચડતાં આંખડી અંજાતી ને અટવાય રે સહિયરના મ્હોર્યા માંડવા. ૩
સખી, ઊતરે કેશલટે નજર પાની લગ લપટી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા. ૪
સખી, નેહછલકતાં નેણને ભમ્મરની આડી પાળ રે સહિયરના મ્હોર્યા માંડવા. ૫
સખી, પાંપણ ઢોળે વીંજણા, કીકીમાં પ્રજળે નેહ રે સહિયરના મ્હોર્યા માંડવા. ૬
સખી, અણબોટ્યા બે હોઠની એ જડે ન કહીં ગુલજોડ રે સહિયરના મ્હોર્યા માંડવા. ૭
સખી, આંખે વણબોલ્યાં રહ્યાં એ બોલે ગૌર કપોલ રે સહિયરના મ્હોર્યા માંડવા ૮
સખી, ગાલે ખાડા શા પડે, મહીં હૈયાં ઘૂમરી ખાય રે સહિયરના મ્હોર્યા માંડવા. ૯
સખી, ઊંચેરી ડોલર-ડોકના રત રત શા નિત્ય મરોડ રે સહિયરના મ્હોર્યા માંડવા. ૧૦
ફૂલો થી લચી સેર ના અગ્ર ભાગે પમરેલી મંજરી ગણી શકાય શું !? વળી આ તો સહિયરે ધારી “રૂપ મંજરી” જે ગણવામાં “કંઈ કંઈ રહી જાય” એવી અટપટી કાર્યપાટિ માંડી છે. : : આમ વાત માંડી ને સૈયર , સખી ને ઉત્સાહિત સ્વરે ગાઈ સંભળાવી ને કહે છે કે ઊભી છે જ્યાં એ ધરતી ના સુંદર ભાગ્ય ખીલ્યાં દેખાય છે , સખીની દેહલતા જોયા કરવાથી ; બારે ઊઘડીને જેની વિકસન પૂર્ણતાના સોળે પહોંચી ને ‘સોળે કળાએ’ એવડી તો દીપી ઊઠી છે ! કંઈ એવી સુંદર દેખાતી પ્રફુલ્લિત રૂપ ની છટા છે. : એમાં છે સંકેતાર્થ નજરાનજર : “સહિયર ના મ્હોર્યા માંડવા.” ( અંતરા ૧ અને ૨ ) : : : :
કેશકારિણી હોય તેમ સખી – સૈયર ની કેશક નજર કેશચિત્ર નું ચિત્રાલેખન કરતાં, લલાટ ધાર પરથી ઉપર ચડતાં “સેંથા” સંગાથે , ગુણલક્ષણ માં એકબીજાથી વધુ ચડિયાતા ઓળેલા ‘કેશગુચ્છ‘જોતા “અંજાય” રહે છે. ગુંથાયા કેશપાશ માં , ગૂંથણી ની જટિલતા વચાળે “અટવાય” રહે છે. : : ત્યાર બાદ, “કેશલટે” નીચે “ઊતરીને” પગ ની “પાની લગ” પહોંચતા સુધીમાં “લપટી જાય” છે , એટલે કે સખી સૈયર ની “આંખડી” સખીના કેશજાળ ની આકર્ષક ગૂંથણી ની સંરચનામાં લોભાઈ પડે છે. : એમાં છે સંકેતાર્થ નજરાનજર : “સહિયર ના મ્હોર્યા માંડવા.” ( અંતરા ૩ અને ૪ ) : : : :
પેની પરથી નજર ફેરવીને સૈયર હવે લલાટપટ્ટ થી નીચે સખી ના સૌંદર્યવાન ચહેરા પરના જીવંત ભાવ નીરખવા તત્પર છે. કહે છે કે સખી , અહો હો.. તારા “નેહ છલકતાં નેણ ને ( તો ) ભમ્મરની આડી પાળ રે ” વ્હાલ ભર્યા પ્રેમાતુર ‘નૈનન’ માં એટલું બધું હેત છલોછલ છે કે ઊભરાય ઊઠે તો રોકવા માટે આંખ ઉપર ની લલાટ ધાર પરની ‘કેશાવલી’ બાધા-આખડી રૂપે મોજુદ છે. જેથી બહાર પડી ને વ્હાલ છલકાઈ પડવાનાં નથી. આમ ભૃકુટી નેહ ના જામ છલકવા નહિ દે. ( તો બીજી સખીસમજ પ્રમાણે રૂપના ‘અભિમાન થી ફુલાવું’ ઉપર પણ મનાઈ ફરમાવતી ભમ્મરપાળ ની આખડી છે.) : : પાંપણનાં વારંવાર થતાં પલકારા , એટલે કે ‘વીઝંવીન્ઝ’ ને , પાંપણ પાંખ ના આકાર જેમ હોય “પાંપણે ઢોળ્યાં વીંજણા” રૂપે જોતી નજર “કીકી માં પ્રજળતું” ( પેટાતું ) વ્હાલ હેત “નેહ” પણ જોઈ લે છે, એવી નોંધ લીધી છે. સખી સૈયર ની આ ‘નેહાયત’ તત્પરતા માં અને પાંપણે વીંઝેલી હવા ના વ્યાપ માં છે સંકેતાર્થ નજરાનજર : “સહિયર ના મ્હોર્યા માંડવા.” ( અંતરા ૫ અને ૬ ) : : : :
સખી ના અણબોટ્યા હોંઠ ની જોડી જોતાં જ સૈયરે ત્વરિતપણે સાર્વજનિક કર્યું કે સખીના સેંથામાં સિંદૂર કે કંકુ ક્યારેય પણ પુરાયું નથી અને તે હોંઠ ની સરખામણી એવી “ગુલ-જોડ” , એટલે કે ‘પુષ્પ જોડી’ સાથે કરી જેની સુવાસ સુદ્ધાં ક્યારેય પણ કોઈ એ લીધી નહિ હોય. : : “વણબોલ્ચા રહ્યાં” કોઈ “બોલ” જે આંખ કહે તો તે ગૌર “કપોલ” એટલે કે કાનથી આંખ સુધીનો પોચો ભાગ જેને ‘લમણું’ કહે તેના ગૌરવર્ણ પરની ગુલાબી ઝાંય કહે જ કહે અને તેની ‘સુણ’ સખી સૈયર ની ‘કાનથી વાંચતી’ નજર થી છીપે નહીં.: સખી ના હસંતા મુખ પરે ગાલ નાં ખંજન જોનારનાં હૈયાં , ખંજન પડિયા ગાલે “ઘૂમરી ખાય” જાય એટલે કે ફેરફૂદડી ની જેમ ચકરી ખાય અને ચક્કર ના ફેર આવે.: : “ઊંચેરી ડોલર- ડોકના રત રત શા” એટલે કે અવયવોના સુંદર વળાંક ઋતું ઋતું ના મોસમી મરોડ સમા શાશ્વત છે. જેની નિત્યતા માં છે સંકેતાર્થ નજરાનજર : “સહિયર ના મ્હોર્યા માંડવા.” ( અંતરા ૭ ,૮ , ૯ , અને ૧૦ ) : : : :
સખી, ધરા ઘૂમે ઉર ઊંચેનીચે ત્યમ હૈયાં ઊછળી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા. ૧૧
સખી, શિખરો વીંધે વ્યોમને, છાતી વીંધે બ્રહ્માંડ રે સહિયરના મ્હોર્યા માંડવા. ૧૨
સખી, પર્વતથી નદીએ ઢળ્યાં કમ્મર લે નદીવળાંક રે સહિયરના મ્હોર્યા માંડવા. ૧૩
સખી, ગણું ગણું તે કઈ મંજરી ગણતાં કંઈ ના’વે પાર રે સહિયરના મ્હોર્યા માંડવા. ૧૪
ઊચે નીચે હિલોળે , ઘૂમતી ધરતી ની જેમ હૈયાં ઊછળી જાય એવી અને સૌંદર્ય નાં “શિખર વ્યોમ” ને / આકાશ ને વીંધે” એવી , પણ હ્રદય માં સમાય શકતી , ઉછાળાબંધ લાગણીઓ તો વળી “બ્રહ્માંડ” ને સુદ્ધાં છાંવરી લે એવાં ઢાંક-પિછોડા ના આવરણ સંકેલી રાખ્યાં હોય જેને અનુસરતી સખી સૈયર ની પ્રમાણ નિરપેક્ષ ( સ્વયં પ્રમાણિત ) પરખ માં છે સંકેતાર્થ નજરાનજર : “સહિયર ના મ્હોર્યા માંડવા.” ( અંતરા ૧૧ અને ૧૨ ) : : : :
“પર્વત 🗻 થી ઢળ્યાં નદી ના વહેણ – વણાંક સાથે સખીની કમ્મર નાં દેહ બદ્ધ વળાંક ની સરખામણી માં , અને સહિયરે ધારી “રૂપ મંજરી” જે ગણવામાં “કંઈ કંઈ રહી જાય” એવી અટપટી કાર્યપાટિ માંડી હતી જેની યાદી આપીને “સખી ની રૂપ મંજરી ગણતાં ન આવે પાર રે” એવી ફરીથી કરેલી પુનરુક્તિ માં છે સંકેતાર્થ નજરાનજર : “સહિયર ના મ્હોર્યા માંડવા.” ( અંતરા ૧૩ અને ૧૪ ) : : : :
સખી, નમણાં ચાલો ત્યાં દીસો રમતેરી મેઘકમાન રે સહિયરના મ્હોર્યા માંડવા. ૧૫
સખી, પગલાં પડતાં પોયણાં પગલે ધરતી ધનભાગ્ય રે સહિયરના મ્હોર્યા માંડવા. ૧૬
નમતાં ચાલો : જાણે નમીને નમસ્કાર કરવાં ની વિભાવના સાથે ચાલો : તો રમતેરી મેઘચાપ ના વ્યોમસ્થ કમાની નમાવ જેવાં દીસો અને સખીના પગલાં પડતાં પોયણાં ખીલી ઊઠે અને ત્યાં ધરતીના ધનભાગ્ય / અહોભાગ્ય એટલે કે નસીબ ઊઘડ્યાં એમ માનવામાં છે સંકેતાર્થ નજરાનજર : “સહિયર ના મ્હોર્યા માંડવા.” ( અંતરા ૧૫ અને ૧૬ ) : : : :
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં, વળી ખીલશો અદકે રૂપ રે સહિયરના મ્હોર્યા માંડવા. ૧૭
આમ ઉપરોકત સોળ અંતરા માં સખીની સૈયરે એની પ્રિય સખી એ ધાર્યા “સોળે ખીલ્યાં અદકા રૂપ” નું “રૂપ મંજરી” નું નજરાણું ગણી આપી ને “માંડવા મ્હોર્યા” ની સનસા ફરીથી કરી છે , સત્તર મા અંતરા માં. : “વળી અદકા રૂપે ખીલશો” એમાં અધિક વિસ્તાર પામવા ની હેસિયત એની પ્રિય સખી ધારી રહેલ છે એવી સખી સૈયર ની સ્પષ્ટ પરખ , નિર્દેશ અને તમન્ના વ્યક્ત થઈ રહી છે ; જેમાં વિધિએ ધારેલ આવનાર કોઈ ‘મંગળ પ્રસંગ’ ની બહુત્વાકાંક્ષી શુભ કામનાઓ યથેષ્ટ થવા પામી છે. : : : : અને વળી સખી ના અદકા રૂપ ની પ્રશંસા એની સહિયર જ તો કરે ને ! A ‘diva’ ( મહાન ગાયિકા ) can describe her closest friend who is exquisitely beautiful and behaves humble and has a reputation of being entitled to a praise for her ‘too much beauty.’ : ‘રૂપરૂપ ના અંબાર’ સમી સખી પ્રશંસા ની હક્કદાર હોવાં સાથે નિરભિમાની પણ હોય તેનું ધ્યાન પણ રાખતું સૈયર નું ગાણું ” મ્હોર્યા માંડવા” , ઉમાશંકર જોશી નું પૂર્ણ ગાણું ( perfect song ) હોય એને ગાઈ સંભળાવીને વધાવીએ ત્યારે.. શબ્દાર્થ : : સનસા કરી છે : ઈશારો કર્યો છે : : નેહનમણું : સ્નેહને લઈ શોભા આપતું : : કાર્યપાટિ માંડી છે : નોંધ લીધી છે : : નેહાયત તત્પરતા : ખુશી , આનંદિત : :
“મ્હોર્યા માંડવા” : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : ઓગસ્ટ ૨૩ , ૨૦૨૪ શ્રાવણ વદ પાંચમ , નાગ પંચમી : : : : : : : :





અમે મેળે ગ્યાં’તા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80/%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AB%82%E0%AA%B5%E0%AB%87 ગામ ને કૂવે પાણીડાં નહીં ભરું ઉમાશંકર જોશી સ્વર ગાર્ગી વોરા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :
ગામ ને કૂવે : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

શ્રાવણ હો ! -ઉમાશંકર જોશી
શ્રાવણ હો !
. અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા !
. અરધી વાટે તું રેલીશ મા !
ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે…
આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો રખે ને રેલ્યો જાય.
. અરધી વાટે…
શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા,
. શ્રાવણ હો !
–– ઉમાશંકર જોશી
અમદાવાદ ૨૦ / ૭ / ૧૯૪૫
શ્રાવણ હો ! ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
વ્હાલપ ની વાત : ઉમાશંકર જોશી : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️ વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
એવી વ્હાલપની વાત રંગભીની.
આકાશે વીજ ઘૂમે,
હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
બાજે અજસ્ત્રધાર
વીણા સહસ્ત્રતાર
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
ઓ રે વિજોગ વાત!
રંગ રોળાઈ રાત,
નેહભીંજી ચૂંદડી ચૂવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
-ઉમાશંકર જોશી 🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ ☔ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : ઓગસ્ટ ૧૯, ૨૦૨૪ : : શ્રાવણ વદ પૂનમ : નારિયેળી પૂનમ: : પૂણે : : : : : : :